અબતક ચેનલ

દિવાળી ટાંકણે જ સરહદ પર ત્રણ દિવસ ‘રેડએલર્ટ’

ભારત-પાકિસ્તાન સરહદ પર પાકિસ્તાન દ્વારા સતત સીઝ ફાયરનો ભંગ કરવામાં આવી રહ્યો છે અને જમ્મુ જિલ્લાના આર.એસ.પુરા અને આર્નીયા સેકટરમાં ૧૫ બોર્ડર પોસ્ટ અને ૨૯ ગામોમાં સખત તોપમારો અને ઓટોમેટીક રાઈફલોથી ફાયરીંગ કર્યું હતું.
બીએસએફના પ્રવકતાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા આખો દિવસ ભારતીય પોસ્ટ પર આડેધડ તોપમારો અને ફાયરીંગ કરવામાં આવી રહ્યું હતું અને સીઝ ફાયરનો ભંગ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ પાકિસ્તાન દ્વારા આટલો ભારે માત્રામાં બોમ્બ મારો અને ફાયરીંગ કયારેય કરવામાં આવ્યું નથી. બીજી તરફ બીએસએફ દ્વારા પાક રેન્જરોને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો જેમાં પાકિસ્તાનમાં એક મહિલાને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી ગયું છે જો કે, ભારતમાં કોઈપણ સિવિલીયન કે, બીએસએફના જવાનને ઈજા પહોંચી નથી. 
ગૃહમંત્રી રાજનાથસિંહે ભારે તોપમારાના પગલે બીએસએફના ડીજી સાથે વાતચીત કરી હતી અને તેઓને જડબાતોડ જવાબ આપવા જણાવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાકિસ્તાની સૈન્ય દ્વારા સુંદેરબાની સેકટર પર પણ તોપમારો અને ફાયરીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાલાકોટે, માનકોટે સેકટર અને બીજા અમુક વિસ્તારોમાં પાકના છમકલા જોવા મળ્યા હતા તેવું સૈન્યના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આર.એસ.પુરા સેકટરમાં પાકિસ્તાનના ફાયરીંગમાં બીએસએફના એક જવાનને ઈજા પહોંચી હતી જેને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા હતાં જયાં તેનું મોત નિપજયું હતું.
અગાઉ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે તોપમારા અને ફાયરીંગમાં ૯ સીવીલીયન અને એક બીએસએફ જવાન શહિદ થયો હતો. જેના બદલામાં ભારતે કડક વલણ અપનાવતા ભારે ફાયરીંગ કરી પાક રેન્જરોને જવાબ આપ્યો હતો.
સરહદ પર પાકિસ્તાન દ્વારા ભારે માત્રામાં ફાયરીંગ અને તોપમારો શ‚ કરવામાં આવ્યો હોવાથી દિવાળી ટાંકણે જ ત્રણ દિવસ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સેના તેમજ પોલીસ વધુને વધુ નાગરિકો બંકરોમાં સલામત રહી જીવન ગુજારે તે માટે પ્રયત્ન કરી રહી છે. આ દરમિયાન સરહદ આસપાસના ગામોમાં પણ બીએસએફ દ્વારા સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવી છે અને સતર્ક રહેવા જણાવી દેવામાં આવ્યું છે. ભારતીય સૈન્ય અને પાકિસ્તાન વચ્ચે ધમાસાણ ગોળીબારમાં સામાન્ય પ્રજાજનો ખુંવાર ન થાય તે માટે ખાસ પ્રયત્નો હાથ ધરાઈ રહ્યાં હોવાથી ફરી એક વખત તંગદીલીનો માહોલ બન્યો છે અને યુદ્ધના ભણકારા શ‚ થયા છે.

Scroll To Top