અબતક ચેનલ

ગુજરાતમાં ભાજપને ભરી પીવા દેશભરના વિરોધપક્ષોએ ખાંડા ખખડાવ્યા!

ગાંધીનગર, સોમવાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજય સંસ્થાની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપનો ભારે કરૂણતાથી રકાશ થયા બાદ ગુજરાતમાં રાજકીય સમીકરણોમાં મોટા પરિવર્તન દેખાઈ રહ્યાં છે. ગુજરાતમાં દાયકાઓથી ભાજપનું મજબૂત શાસન પ્રવર્તી રહ્યું છે હવે ભાજપનો જનાધાર ઘટતા બિન ભાજપી પક્ષ ગુજરાતમાં ભાજપને ભરી પીવા માટે એક મંચ પર આવી રહ્યાં છે.આગામી ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં બિન ભાજપ પક્ષો પોતાનું નેટવર્ક સ્થાપવા ખાંડા ખખડાવી રહ્યાં છે. આ વખતની જેમ જ વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ અને પાટીદાર ફેકટર કામ કરશે તેવી ધારણા લગાવાઈ રહી છે. રાષ્ટ્રીય લોક ક્ષમતા પાર્ટીના અખિલેશ કતીયારે જણાવ્યું હતું કે તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને ૧૧મી ડિસેમ્બરે ગુજરાતમાં પાટીદાર આંદોલનને સમર્થન આપવા માટે મળશે.અમદાવાદમાં આમ આદમી પાર્ટીની બેઠકમાં સંજયસિંહે આગામી રણનીતિની ચર્ચા કરી હતી. ભાજપના પ્રવકતા હર્ષદ પટેલે જો કે ગુજરાતમાં અન્ય કોઈ પણનો ગજ નહીં વાગે તેવો દાવો કર્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી ઉપરાંત કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ૨૦૧૭ની ચૂંટણીમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જંગમાં ભાજપના ઓસરેલા જનાધારનો લાભ લઈ ગુજરાતમાં સત્તા પરિવર્તન માટે પ્રયત્નશીલ થવા તૈયાર થયા છે.ગુજરાતમાં આ વખતે ૩૧ જિલ્લા પંચાયતોમાંથી કોંગ્રેસે ૨૧ છીનવી લીધી છે. પ્રજાના બદલાયેલા મિજાજને પરિવર્તનના સંકેતો સમજી આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહિતના તમામ બીન ભાજપી પક્ષો ગુજરાતમાં નેટવર્ક સુદ્રઢ કરી સંગઠનનું માળખુ મજબૂત બનાવી પ્રજા વચ્ચે પ્રસ્થાપિત થવા માટેની તૈયારીમાં લાગી ગયા છે. ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપેલા ભાજપના શાસનના ઉંડા મુળીયા પ્રથમવખત સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં હચમચી ઉઠયા હોય ત્યારે નબળા પડેલા ભાજપના જનાધારનો લાભ લેવા રાજકીય પક્ષોએ ખાડા ખખડાવ્યાનું શરૂ કર્યું છે.

Scroll To Top